કેમ રાંધણ છઠ ના દિવસે સાતમ માટે જમવાનું બનાવવામાં આવે છે – શા માટે સાતમના દિવસે ચૂલા ઠારીને ઠંડુ ખાવામાં આવે છે…જાણો આ વાતનું પૂરું રહસ્ય - Jan Avaj News

કેમ રાંધણ છઠ ના દિવસે સાતમ માટે જમવાનું બનાવવામાં આવે છે – શા માટે સાતમના દિવસે ચૂલા ઠારીને ઠંડુ ખાવામાં આવે છે…જાણો આ વાતનું પૂરું રહસ્ય

દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 14 ઑગષ્ટ એટલે કે આજે મનાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ થયો હતો. એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે આજે ઉપવાસ રાખે છે.

ગુજરાતમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠના દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે. હળછઠ અથવા રાંધણ છઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીનાં વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે.

રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરવામાં આવે છે.

રાંધણ છઠ્ઠના દિવસે આખો દિવસ દરેક ઘરમાં ભોજન બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે.

આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે.

આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે. માટે રાંધણછઠના દિવસે ઠંડુ ખાવાની પરંપરા છે.

આ રીતે કરો પૂજા : સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઇએ. ત્યાર બાદ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી : આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. હળથી ખેડવામાં આવેલું કોઇ પણ અનાજ અથવા ફળ પણ ખાઇ શકાય નહીં. આ ઉપરાંત છઠના વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *