હવામાન વિભાગ ની આગાહી, આગામી, બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે - Jan Avaj News

હવામાન વિભાગ ની આગાહી, આગામી, બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રૂપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજાઈ હતી. જેમાં IMDના અઘિકારીએ જણાવ્યુ હતું કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે ૧-૧ ટીમ ડિપ્લોય છે. ૬-ટીમો વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમ હવામાન વિભાગની આગાહી ધ્યાને લઇ એલર્ટ રાખવામાં આવી છે.

રાહત કમિશનરે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ૬થી બપોરના ૨ સુધી ૪ જિલ્લાના ૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં ૨૧મી.મી. વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી ૧૭મી, ઓગસ્ટ સુધીમાં ૩૧૧.૮૨ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૩૭.૧૨ ટકા છે.

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૧૭મી, ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૭૮.૮૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૭૮.૦૨ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૨.૧૫ ટકા વાવેતર થયું છે.

સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૯૩૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૪૫.૪૮% છે. રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૬૫,૪૭૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૬૩% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૭ જળાશય તેમજ વોર્નિંગ ૫ર-૧૦ જળાશય છે.

વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઊર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી. તથા ઇસરો, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ આ મીટિંગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *