સાઉથ વેસ્ટ લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની, અંબાલાલ પટેલ દ્વારા કરાઈ વરસાદની આગાહી
ઓગસ્ટ મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે હવે રાજ્યના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત જૂન અને જુલાઈ મહિનામાં અંદાજ કરતા ઓછો વરસાદ થતા કૃષિ પાકોને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું નથી. ત્યારે હવે ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ થાય તેવી શક્યતાઓ જણાવવામાં આવી રહી છે.
આ દરમિયાન હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનામાં વરસાદની લઈને અગત્યની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાઉથવેસ્ટ માં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે. આ લો પ્રેશર સિસ્ટમને કારણે વાદળોનો મોટો ટ્રક મધ્ય પ્રદેશથી લઈને ગુજરાત સુધી ફેલાયેલો છે.
સાઉથ વેસ્ટમાં ઉભી થયેલ લો પ્રેશર સિસ્ટમ ના કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદી વાતાવરણ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણામાં જોવા મળશે. ખાસ કરીને આગામી ચાર દિવસ સુધી ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના છૂટા છવાયા વિસ્તારોમાં પણ આગામી ચાર દિવસ સુધી વરસાદ થવાની શક્યતાઓ છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે, ઓગસ્ટ મહિનાની અંદર રાજ્યમાં સારો વરસાદ થશે. હાલ આશ્લેલા નક્ષત્ર ચાલી રહ્યું છે. 15 ઓગસ્ટ સુધી આશ્લેષા નક્ષત્ર રહેશે. આશ્લેષા નક્ષત્ર દરમિયાન સારા વરસાદ થવાના સંજોગો હોય છે.
વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જૂન અને જુલાઈ મહિનામાં ભલે ઓછો વરસાદ થયો હોય પરંતુ આ વર્ષે રાજ્યમાં વરસાદ સારો રહેશે. જેથી આગામી બે મહિના ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે. જેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે સામાન્ય વરસાદ થશે એટલે કે કૃષિ પાકને જરૂરી હોય તે મુજબનો વરસાદ થશે.
આપને જણાવી દઇએ કે જૂન અને જુલાઈ મહિનામાં રાજ્યમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે રાજ્યમાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના માત્ર 18 તાલુકા એવા છે કે જ્યાં સરેરાશ કરતાં 50 ટકા વધુ વરસાદ થયો છે. મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં માત્ર 20 ટકા સુધીનો વરસાદ નોંધાયો છે. ત્યારે હવે આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ જણાવવામાં આવી રહી છે.