લાંબા સમય બાદ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ વિસ્તારોમાં આજે આભ ફાટ્યુ - Jan Avaj News

લાંબા સમય બાદ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ વિસ્તારોમાં આજે આભ ફાટ્યુ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી થઇ ચૂકી છે. વરસાદના આગમનથી લોકો ખુશ થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં કેશોદ તથા આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ છવાયું છે. ઉપરાંત માળીયા તાલુકામાં વાવણીલાયક વરસાદ થઈ ચુક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ તથા વેરાવળમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વેરાવળના પંડવા અને લુભા તથા આસપાસના ઘણા ગામોમાં સારો વરસાદ થયો હોવાની જાણકારી મળી છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોને મગફળી અને સોયાબિનના પાકમાં સારુ વાવેતર થશે. વરસાદનું આગમન થતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જશે નહિ.

દીવ તથા આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. કોડીનાર અને ઉનામાં પણ સારો વરસાદ થયો છે તેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. શનિવારે દ્વારકામાં વરસાદ થતાં પાકનું વાવેતર સારું થશે. સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના વિસ્તારમાં વરસાદ થયો છે. લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી થતા લોકોને ગરમીમાંથી પણ છુટકારો મળ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં સારો વરસાદ થયો છે. અમરેલીના ખંભાળિયા ગામમાં બજારોમાં પાણી વહેતા થયા છે. ખેતરોમાં પણ વરસાદને કારણે પાણી ભરાયા છે અને બીજારોમાં વેતો પાણી વહેતા થયા છે. બજારોમાં ભરાયેલા પાણીના કારણે અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામના લોકોને આવવા જવાના રસ્તામાં મુશ્કેલી પડી રહી છે. રસ્તામાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના મોટા ભાગના ગામોમાં સારો એવો વરસાદ થયો છે.

દક્ષિણ ગુજરાતમાં લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. સુરત તથા નવસારીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સારો વરસાદ થયો છે. સુરતમાં વેસુ તથા ડુમસ રોડ પર સારો વરસાદ નોંધાયો છે. ઉપરાંત વલસાડમાં પણ વરસાદી ઝાપટા પડયા હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. લાંબા સમય બાદ વરસાદ આવવાને કારણે લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે તેથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

બંગાળની ખાડીમાં ઉભા થયેલા યાસ વાવાઝોડાએ ભારે તબાહી મચાવ્યા બાદ આખરે શાંત પડ્યું છે. આ વાવાઝોડાને કારણે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર ચાર રાજ્યો અસરગ્રસ્ત થયા છે. ચક્રવાત યાસ ઓરિસ્સામાં પરિસ્થિતિને મોટા પ્રમાણમાં ખરાબ બનાવી હતી. ઓરિસ્સાના બાલાસોરમાં બુધવારે ભારે વરસાદ પડ્યો હતો અને સમુદ્રના પાણી જમીન પર આવી ગયા હતા. ઓડિશાના કિઓંજારમાં પણ એક વ્યક્તિનું ઝાડ નીચે પડવાના કારણે મોત થયું છે. ચક્રવાતને કારણે એનેક સ્થળોએ વૃક્ષો પડી ગયા છે અને કેટલાક મકાનોને નુકસાન થયું છે.

ઓરિસ્સાના બાલાસોરમાં ભૂકંપ બાદ ચક્રવાત યાસે વિનાશની નિશાની છોડી દીધી છે. અહીં દરિયાઈ પાણી ગામડાઓમાં ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત કરવામાં આવી રહી છે. ઓડિશા સરકારે ચક્રવાતથી અસરગ્રસ્ત 128 ગામોના લોકો માટે 7 દિવસની રાહતની જાહેરાત કરી છે. જે મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે તેને વહેલી તકે સમારકામ કરવામાં આવી રહ્યું છે. સાથસાથ અટકી પડેલા વીજ પુરવઠાને પણ ફરી શરૂ કરવાનું કામ થઈ રહ્યું છે.

પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપોરમાં વાવાઝોડા યાસને કારણે એક કરોડ લોકોના પ્રભાવિત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા યાસને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે ચક્રવાત યાસે ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેની સીધી અસર રાજ્યના એક કરોડ લોકોને થઈ છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીના જણાવ્યા અનુસાર વાવાઝોડા યાસને કારણે બંગાળમાં લગભગ 3 લાખ મકાનોને નુકસાન થયું છે. વાવાઝોડા યાસને કારણે લગભગ 15 લાખ લોકોને આશ્રય સ્થાનોમાં રહેવું પડે છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાની અસર ઘણા અંશે ઓછી થઈ ગઈ છે. આ સિવાય ઝારખંડમાં પણ યાસ વાવઝોડાની અસર જોવા મળી છે.

બિહારમાં સતત ભારે વરસાદને કારણે વાવાઝોડા યાસે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કર્યું છે. બિહારના પીપા પુલ અને રસ્તાઓને નુકસાન થયું છે. ઘણા મકાનો પડી ગયા છે. સાત લોકોના મોત થયા છે. નાલંદાના અસ્તાવાનના ચિસ્ટીપુર ગામમાં કેદાર એબાદની 55 વર્ષીય પત્ની અનિતા દેવીનું વીજળી પડવાથી મોત નીપજ્યું હતું. બેગુસરાયમાં તેઘડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપરા ડોદ્રાજ પંચાયતના એક ગામના મકાનમાં સૂતેલી 71 વર્ષીય ગીતા પાસવાનનું મોત નીપજ્યું હતું જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યો ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *