હવામાન વિભાગ ની આગામી 3 દિવસને લઈને વરસાદની આગાહી, આ વિસ્તારમાં આવશે ધોધમાર વરસાદ - Jan Avaj News

હવામાન વિભાગ ની આગામી 3 દિવસને લઈને વરસાદની આગાહી, આ વિસ્તારમાં આવશે ધોધમાર વરસાદ

ગુજરાતમા આગામી ત્રણ દિવસથી વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં ઉભી થયેલ હળવા દબાણની સિસ્ટમના કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમા વરસાદની આગાહી યથાવત રહેશે. હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. પરંતુ તેમ છતાપણ હજુ 28 જિલ્લાઓમાં વરસાદ ઓછા પ્રમાણમા જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ભારે અછત છે.

જૂન મહિના દરમિયાન રાજ્યભરમા વરસાદનું જોર ભલે ઓછુ રહ્યુ પરંતુ જુલાઈ મહિના દરમીયામ રાજ્યમાં ખૂબ સારી માત્રામાં વરસાદ થવાની હવામાન શાસ્ત્રીઓ વાત કરી રહ્યા છે. ત્યારે હાલ અડધો જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે હવે આ મહિનાના અંતિમ 15 દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ જોવા મળી શકે છે.

હાલ અરબ સાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ એટલે કે હળવા દબાણની સિસ્ટમ સક્રિય છે. જેને કારણે વાદળોના ઘેરાવ મજબૂત છે. જેથી આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે શુક્રવારથી લઈને રવિવાર સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ અને વરસાદ જોવા મળશે.

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી ત્રણ દિવસ સુધી વહેલી સવારે, સાંજે અને મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. હવાનું હળવું દબાણ દક્ષિણ ગુજરાત અને મુંબઈની વચ્ચેના અરબ સાગરમાં મજબૂત હોવાથી રાજ્યમાં આ દિવસોમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમા છેલ્લા બે દિવસથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના અનેક ગામડાઓમા સારો વરસાદ નોંધાયો છે. વરસાદ થતાં ખેડૂતોએ પણ રાહતના શ્વાસ લીધા છે. જો કે આ વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે થયો હોવાથી ઘણી જગ્યાએ વીજળી પડવાના પણ સમાચાર છે.

નક્ષત્રની વાત કરીએ તો હાલ પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યુ છે. પુનર્વસુ નક્ષત્રની શરૂઆત શુભ જોવા મળી છે અને પુનર્વસુ નક્ષત્ર દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. પુનર્વસુ નક્ષત્રના આ સંકેતો પરથી પુષ્પ નક્ષત્રનુ પણ અનુમાન લગાવી શકાય છે. જેથી આવનારુ પુષ્પ નક્ષત્ર પણ સારુ રહેશે અને જુલાઈ મહિનાના અંત સુધી વરસાદ થશે.

હાલ રાજ્યમા કુલ વરસાદનો સરેરાશ 17 ટકા જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહે તેવી શક્યતાઓ છે. સાથોસાથ આ વર્ષે વરસાદમાં પણ અનિયમિતતા જોવા મળશે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષથી ચોમાસુ સતત સારુ રહ્યુ છે. જો કે ગયા વર્ષે અતિવૃષ્ટિ જેવો વરસાદ સર્જાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *