હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી આ વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી - Jan Avaj News

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી આ વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી

હમણાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું મંદ પડી ગયું છે પરંતુ હવે આગામી 11 જુલાઈથી ચોમાસું પાછું શરૂ થઈ શકે તેવી આગાહી છે. હવામાન વિભાગે 11 થી 13 જુલાઈ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગના મતે, 11 જુલાઈના અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દમણમાં મધ્યમ, 12 જુલાઈના નર્મદા, ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં ભારે, સૌરાષ્ટ્ર- કચ્છમાં મધ્યમ અને 13 જુલાઈના આણંદ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દમણ અને ભાવનગરમાં અતિ ભારે જ્યારે દાહોદ, પંચમહાલ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.

કચ્છમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 12.91 ટકા, મધ્ય ગુજરાતમાં 15.15 ટકા, સૌરાષ્ટ્રમાં 12.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 16.61 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે આખા ગુજરાતમાં 14.84 ટકા વરસાદ નોંધાયો છે.

વરસાદ વિરામ લેતાં સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. ગરમી અને બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વરસાદ ખેંચતા રાજ્યમાં ચોમાસા દરમિયાન અત્યાર સુધી સરેરાશ 4.90 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ડેવલોપ થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારથી વરસાદનું આગમન થશે. આ અગાહી ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે.

જો હજી આગામી 12 થી 15 દિવસમાં વરસાદ ન થાય તો વાવેતર કરાયેલા પાકને નુકસાન થઈ શકે છે. રાજ્યમાં હાલ 207 જળાશયોમાં 39.10 ટકા જલસ્તર છે. જેમાં સરદાર સરોવરમાં 42.18 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં હાલ કુલ બે જ એવાં જળાશયો છે જે સંપૂર્ણ ભરેલા છે.

અમરેલી જિલ્લામાં લાંબા સમય પછી આજે વરસાદનું આગમન થતાં ખેડૂતો ને રાહત મળી. આજે અમરેલી જિલ્લાના ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે લાઠી, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમો ધીમો વરસાદ પડયો હતો. વરસાદની ઠંડકથી લોકોને ગરમથી રાહત મળી હતી.

ખેતીપાકને જાણે જીવનદાન મળ્યું: અમરેલીમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ન થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતાં પરંતુ, આજે જિલ્લામાં વરસાદી માહોલ છવાતાં ખેડૂતો રાજી થયાં છે અને તેને સારા વરસાદની આશા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *