આગામી 48 કલાક સુધી ધોધમાર વરસાદની આગાહી, જુલાઈ મહિનામાં બેસશે બે નક્ષત્રો, આ તારીખે થશે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ - Jan Avaj News

આગામી 48 કલાક સુધી ધોધમાર વરસાદની આગાહી, જુલાઈ મહિનામાં બેસશે બે નક્ષત્રો, આ તારીખે થશે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ

છેલ્લા બે સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. હજુ પણ રાજ્યના એવા વિસ્તારો છે કે જ્યા વાવણીલાયક વરસાદ પડ્યો નથી. હાલ આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે. ભીમ અગિયારસના રોજ બેસેલું આદ્રા નક્ષત્ર જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં પૂરું થવાનું છે. નવા શરૂ થતા જુલાઈ મહિનામાં બે નક્ષત્રો બેસવાના છે.

જુલાઈ મહિનામાં બેસનારા બે નક્ષત્રોમાથી પહેલુ નક્ષત્ર છે પુનર્વસુ અને બીજું નક્ષત્ર છે પુષ્પ. આ વર્ષે પુનર્વસુ નક્ષત્રની શરૂઆત 5 જુલાઇના રોજ સવારે પાંચ વાગ્યે ને 19 મિનિટ થશે. પુનર્વસુ નક્ષત્રનુ વાહન ઉંદર છે. જ્યારે બીજા નક્ષત્ર પુષ્પની શરૂઆત 19 જુલાઈના રોજ સવારે ચાર વાગ્યે અને 46 મિનિટ પર થશે. પુષ્પ નક્ષત્રનું વાહન ઘોડો હોય છે.

હાલ જે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો ગાજવીજ સાથે વરસાદ જોવા મળે છે. આ પછી આવનારા પુનર્વસુ નક્ષત્રમાં ભારે પવન સાથે વરસાદ થાય છે અને ત્યારબાદ બેસનારા પુષ્પ નક્ષત્ર દરમિયાન છૂટો છવાયો વરસાદ જોવા મળે છે. હાલ ચાલી રહેલ આદ્રા નક્ષત્રની શરૂઆત ભીમ અગિયારસના રોજ થઇ હોવાથી આ વર્ષે ચોમાસુ સારુ રહેશે તેવા એંધાણ છે.

આવતા જુલાઈ મહિનામાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે વાત કરીએ તો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 5 જુલાઈ પછી ખેતરોની અંદર જીવજંતુનો ત્રાસ વધશે. 13 જુલાઈ પછી રાજ્યમાં સાર્વત્રિક રીતે વરસાદ જોવા મળશે. આવતા મહિનાના પૂર્વાર્ધમાં રાજ્યના દરેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઇ જશે.

જુનાગઢ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલી 40 આગાહીકારો ની બેઠકમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, જુલાઈ મહિનાના અંતમાં કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં એક વાવાઝોડું જોવા મળી શકે છે. અરબ સાગરમાં એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે જુલાઈ મહિનાના અંતમાં કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદ થઇ શકે છે.

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ લાંબા ગાળાની આગાહી કરતાં જણાવવામાં આવ્યું હતું કે, 19 નવેમ્બર પછી બંગાળની ખાડી માં એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઇ શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચોમાસું રહેશે. રાજ્યમાં આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધશે અને ઠંડી વહેલી શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ વરસાદની પેટર્નમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. પ્રથમ તૌકતે અને ત્યારબાદ આવેલા યાસ વાવાઝોડાને કારણે વરસાદી પવનમાં થોડો ઘણો ફેરફાર થયો છે. દરમિયાન આવતા મહિનાના અંત ભાગમાં વાવાઝોડા સાથે વરસાદ થાય તેવી શક્યતાઓ આગાહીકારો જણાઈ રહી છે. જો કે હવામાન વિભાગ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ગઈ કાલે રાજ્યના અનેક વિસ્તારોમા વરસાદી માહોલ બન્યા બાદ હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આઘી કરવામાં આવી છે. હાલ જોવા મળેલા વરસાદી વાદળોના ટ્રફને ધ્યાને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પણ અન્ય વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રાજ્યના ઘણા વિસ્તારોમા સારો વરસાદ જોવા મળ્યો હતો. ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સૌથી વધુ 2.28 ઇંચ, ઉમરગામમાં 1.41 ઇંચ, જસદણમાં 1.25 ઇંચ અને અમરેલી જિલ્લાના લીલીયામાં 1.06 ઇંચ વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રના અનેકે વિસ્તારોમાં એક ઇંચથી લઈને દોઢ ઇંચ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

રાજ્યમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તેમ છતાંપણ હાલ રાજ્યભરમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતા ચાર જુલાઈ સુધી વરસાદ થવાની શક્યતા નહિવત જણાઈ રહી છે.

હાલ વરસાદી પવનો નબળા પડ્યા છે તેથી અરબ સાગર પરથી ગુજરાત તરફ આવવા વરસાદી વાદળોને પૂરતો વેગ મળી રહ્યો નથી. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે હજુ આઠથી દાસ દિવસ સુધી વરસાદી પવનો નબળા રહેશે. પરંતુ બાદમાં વરસાદી પવનો મજબૂત થતા સાર્વત્રિક ધોધમાર વરસાદ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *