એક પછી એક બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય, આ તારીખ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ
બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે અને આગામી 24 કલાકની અંદર આ લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત થશે. બંગાળની ખાડી માં લો પ્રેશર ઊભું થતાં અનેક વિસ્તારોની અંદર વાદળોનો ટ્રફ ઘેરો બનશે. જેના કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. આવતીકાલે 23 જુલાઇથી ત્રણ દિવસ સુધી એટલે કે 23 જુલાઇથી લઇને 25-26 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
જોકે બીજી તરફ પ્રાઇવેટ વેધર કંપનીનું માનવું છે કે, આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને બાદ કરતાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. જો સિસ્ટમ વધુ મજબૂત બની તો રાજ્યના બાકીના વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે.
વધુમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડી માં એક પછી એક બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ શકે છે. હાલ આવતીકાલે 23 જુલાઈના રોજ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જે બાદ 27 જુલાઇના રોજ બીજી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવનાઓ છે. હવામાન શાસ્ત્રીઓ નું માનવું છે કે 27 જુલાઇના રોજ બનનારી લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત થશે.
જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે, જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર રાજ્યમાં સારો વરસાદ થશે. જોકે આ વર્ષે વરસાદમાં ઘણી અનિયમિતતા જોવા મળી રહી છે. જેના કારણે મોટાભાગની આગાહીઓ ખોટી પૂરવાર થઈ રહી છે. ચોમાસાની શરૂઆતમાં અરબ સાગરમાં આવેલા તાઉતે વાવાઝોડા અને બંગાળની ખાડીમાં આવેલા યાસ વાવાઝોડાને કારણે વરસાદમાં અનિયમિતતા બની છે.
રાજ્યમાં ખાસ કરીને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહે છે. દક્ષિણ ગુજરાતના શહેરી વિસ્તારોની અંદર ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતાઓ રહે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી બાદ એનડીઆરએફની ટીમ પણ તૈનાત થઈ ચૂકી છે. એનડીઆરએફની ટીમ દ્વારા સુરતમાં લોક જાગૃતિ કાર્યક્રમ અને તાલીમમાં કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા. જેમાં લોકોને ભારે વરસાદ અને પૂરથી કઇ રીતે બચવું તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
નક્ષત્રની વાત કરીએ તો હાલ પુષ્પ નક્ષત્ર ચાલી રહ્યું છે. 1 ઓગસ્ટ સુધી પુષ્પનક્ષત્ર લાગુ રહેશે. પુષ્પ નક્ષત્રનું વાહન ઉંદર છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર પુષ્પ નક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થાય છે. પુષ્પ નક્ષત્રના વરસાદનું પાણી કૃષિ પાક માટે સારું હોય છે.
આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે માછીમારોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. લો પ્રેશરને કારણે દરિયામાં પણ ભારે કરંટ રહે તેવી શક્યતાઓ છે. જેના કારણે માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.